ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કાશ્મીરમાં “ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે” જેવો ઘાટ ઘડાયો છે

કાશ્મીરમાં નાગરિકોના માનવ અધિકારોની તુલનાએ લશ્કરી જવાનોના અધિકારની વાતો કરવી તદ્દન હાસ્યાસ્પદ છે

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ગૌતમ નવલખા લખે છે કે

જમ્મુ-કાશ્મીરમાં ન્યાયની સામે સરમુખ્યત્યારશાહીવિજેતા બનતી હોય એવા સ્પષ્ટ સંકેતો જોઇ શકાય છે અને તેથી જ કહી શકાય કે સોપિયાન જિલ્લાના ગવાનપોરા ગામ ખાતે ગત 27 જાન્યુઆરીના રોજ બનેલી ગોળીબારની ઘટના બાદ લશ્કરના જે અધિકારી સામે એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવાની માંગ ઉઠી હતી તે અધિકારીની ચિંતા તદ્દન કાલ્પનિક અને આભાસી છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયમૂર્તિઓની એક બેન્ચે “સૈનિકોની નૈતિકતાનું રક્ષણ” કરવાની દાદ માંગતી એક અરજીની સુનાવણી હાથ ધરી હતી.કોર્ટે એક પક્ષીય આદેશ કરતાં ઠરાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસે 10- ગઢવાલ રાઇફલ્સના મેજર આદિત્ય કુમાર સામે કોઇ “જોર-જુલમ કે બળજબરીપૂર્વકના” પગલાં ભરવા નહીં. સશસ્ત્રદળોના અધિકારીઓની સેવા કરનારા લોકોના બાળકો દ્વારા કરાયેલી એક અરજીના સંદર્ભે થોડા દિવસો અગાઉ ગત 9 ફેબ્રુઆરીના રોજ માનવ અધિકાર પંચે તોફાની અને હુલ્લડબાજ લોકોના ટોળા દ્વારા લશ્કરના જવાનો ઉપર થતાં હુમલા અને પથ્થરબાજીની ઘટનાઓની તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો અને પંચે એ વાતે સંમત્તિ દર્શાવી હતી કે લશ્કરના જવાનોની સલામતીના મુદ્દે વિચારણા કરવી જરૂરી છે. જ્યાં ફક્ત શંકાના આધારે કોઇને મોતને ઘાટ ઉતારી દેવાની પણ સત્તા ધરાવતા હોય એવા વિસ્તારોમાં લશ્કરના જવાનોના માનવ અધિકારનો મુદ્દો આગળ ધરીને ભોગ બનેલા નાગરિકોને ન્યાયનો ઇન્કાર કરાયો છે તે બાબત ઉડીને આંખે વળગે એવી છે. તપાસ ઉપર પણ મનાઈ હૂકમ આવી ગયો હોઇ ફરિયાદ નોંધાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

 28 જાન્યુઆરીના રોજ એક નિવેદન બહાર પાડીને ભારતીય લશ્કરે 27 જાન્યુઆરીની ગોળીબારની ઘટનાનો બચાવ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે લશ્કરના જવાનોએ નિર્ધારિત ધારા-ધોરણો અને નિયમોનું  પાલન કર્યું હતું. લશ્કર દ્વારા કરાયેલા ગોળીબારમાં જાવેદ એહમદ ભાટ, સુહૈલ જાવેદ લોન અને રઇસ એહમદ ગનાઇ નામના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતાં. લશ્કરે દાવો કર્યો હતો કે તોફાની ટોળા દ્વારા વાહનો સળગાવવામાં આવી રહ્યા હતા અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ)ની ગળુ કાપીને હત્યા કરવાનો પ્રયાસ થઇ રહ્યા હતો તેથી આ ઘટનાને રોકવા તેઓને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જો કે પ્રાપ્ત વિગતોમાં લશ્કર દ્વારા કરાયેલા દાવાને કોઇ સમર્થન મળતું નથી.

જો કે વાસ્તવિકતા કંઇક જુદું જ કહે છે.29 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી મહેબુબા મુફિતએ વિધાનસભાને માહિતી આપી હતી કે 24 જાન્યુઆરીના રોજ ચઇગુંદ ખાતે થયેલા સામસામા ગોળીબારમાં ભારતીય લશ્કરે હિઝબુલ મુઝાહિદ્દીનના બે ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા જેના પગલે સર્જાયેલી તંગદીલીને ધ્યાનમાં લેતાં જમ્મુ-કાશ્મીર પોલીસે ભારતીય લશ્કરને ગવાનપોરાનો માર્ગ ટાળવાની સલાહ આપી હતી. એ દિવસે ઠાર મરાયેલા બે ત્રાસવાદીઓ પૈકી એક ત્રાસવાદી ગવાનપોરાનો રહિશ હતો ચઇગુંદ ખાતે 44મી રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ ફક્ત બે ત્રાસવાદીઓને જ ઠાર નહોતા માર્યા, તે સાથે તેઓએ ત્રણ નાગરિકોને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાંખ્યા હતા. પરિણામ એ આવ્યું કે સ્થાનિક નાગરિકોને થયેલી ગંભીર ઇજાઓ અને સ્થાનિક ત્રાસવાદીના થયેલા મોતના પગલે લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું.

લશ્કરે કાશ્મીર પોલીસની સલાહની અવગણના કરી હતી. સવારમાં ગામમાંથી પસાર થઇ રહેલાં લશ્કરના પ્રથમ કાફલાને સ્થાનિક ત્રાસવાદીને શ્રધ્ધાંજલિ આપતા પોસ્ટરો નહીં ચોંટાડવા દેવાના મુદ્દે સ્થાનિક લોકો સાથે ભારે બોલાચાલી થઇ હતી. બપોરે 3-30 કલાકે મેજર આદિત્ય કુમારના નેતૃત્વમાં 10 ગઢવાલ રેજિમેન્ટના કાફલાએ પણ ગવાનપોરા ગામમાંથી પસાર થવાનો નિર્ણય કર્યો હતો. અગાઉથી જ સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં સમાન ગામમાંથી બે-બે વાર લશ્કરી કાફલાને લઇ જવાનો નિર્ણય તદ્દન મૂર્ખામી ભર્યો હતો. સ્થાનિક લોકોએ આપેલી વિગતોએ પણ જેસીઓની ગળું કાપીને હત્યા કરવાનો પ્રયાસ થયો હોવાના દાવાનું ખંડન કર્યું હતું, અને તે સાથે તેઓએ તો વળી આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું કે ભારે શસ્ત્રો ધરાવતા જવાનોના વાહનમાંથી કોઇ લશ્કરી જવાનને ખેંચીને બહાર લઇ જવો અને તેની હત્યા કરવી કેવી રીતે શક્ય બની શકે? મે-2017માં શરૂ કરાયેલા “ઓપરેશન ઓલ આઉટ” અંતર્ગત અત્યાર સુધીમાં 217 ત્રાસવાદીઓ, 108 સ્થાનિક નાગરિકો અને સશસ્ત્ર દળોના 125 જવાનો માર્યા ગયા હતા. માર્યા ગયેલા 108 પૈકીના 19 સ્થાનિક નાગરિકો તો એન્કાઉન્ટર દરમ્યાન માર્યા ગયા હતા. ચઇગુંદ અને ગવાનપોરામાંથી પાંચ નાગરિકો માર્યા ગયા હતા.

કોઇપણ કેસમાં એફઆઇઆર દાખલ કરાવવી એ પહેલું પગલું છે. જો કે સશસ્ત્રદળોના કર્મચારીઓ સામે તપાસ ભાગ્યેજ પૂરી થતી હોય છે, અને જો કોઇ કેસમાં તપાસ પૂરી થઇ જાય અને ચાર્જશીટ દાખલ કરવાની થાય તો પણ સમગ્ર પ્રક્રિયા અટકી જાય છે કેમ કે લશ્કરી જવાનો સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી શરૂ કરવા માટે ફોજદારી કોર્ટને અને ભોગ બનેલા નાગરિકોને કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.1 જાન્યુઆરી, 2018ના રોજ કેન્દ્રિય સંરક્ષણ મંત્રીએ રાજ્યસભામાં આપેલા એક લેખિત ઉત્તરમાં જણાવવામાં આવ્યું હતું કે સશસ્ત્રદળોના અધિકારીઓ અને જવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા માંગવામાં આવેલી પૂર્વમંજૂરીની 50 અરજીઓ પૈકી 47 અરજીઓને ફગાવી દેવામાં આવી હતી અને બાકીની ત્રણ અરજીઓ હાલમાં પેન્ડિંગ પડેલી છે. 17 કેસ સ્થાનિક નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવાના હતા, 16 કેસ કસ્ટોડિયલ ડેથ એટલે કે જેલમાં મોત થવા અંગેના હતા, આઠ કેસ જેલમાંથી આરોપીના ગુમ થઇ જવાના હતા અને ચાર કેસ કથિત બળાત્કારના હતા.

છેલ્લા 28 વર્ષથી જમ્મુ-કાશ્મીર એક અશાંત પ્રદેશ બની રહ્યું છે જ્યાં લશ્કર અને અર્ધ લશ્કરી દળોના જવાનો તેમના દ્વારા આચરવામાં આવેલા અત્યાચારો અને ગુનાઓની જવાબદારીમાંથી છટકી જાય છે. ભાજપની સરકારની રાજકીય સૂઝબૂઝના અભાવે આજે 28 વર્ષ બાદ પણ આ સ્થિતિ ચાલુ રહેવા પામી છે જે ખરેખર અત્યંત દુઃખદ બાબત છે. અત્યાર સુધીની ભારતની પ્રત્યેક અનુગામી સરકારોએ રાજ્યમાં જે કાંઇ સ્થિતિ પેદા કરી છે, તે સ્થિતિને લંબાવી છે અને તેને વણસાવી છે તેના માટે લશ્કરી ઉકેલ લાવવાની તેઓની વ્યૂહરચના કેટલી હદે નિરર્થક રહી છે તે આજે પૂરવાર થાય છે. સુહૈલ લોનના પિતા જાવેદ એહમદ લોને ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે “ અમારે સરકાર પાસેથી કંઇ જોઇતુ નથી, અમારે કોઇ વળતર પણ જોઇતું નથી અને અમારે કોઇ તપાસ પણ કરાવવી નથી, કેમ કે અહીં તેઓની જ કોર્ટ છે, તેઓની જ પોલીસ છે, તેમનું જ લશ્કર છે અને વહીવટીતંત્ર પણ તેઓનું જ છે”. જ્યારે રાજ્યનો પિડિત અને દુઃખી નાગરિક આ પ્રકારની લાગણી અનુભવતો હોય એવા સંજોગોમાં સશસ્ત્રદળોને રક્ષણની જરૂર છે એમ માનવું ખરેખર એક ક્રૂર મજાક જ કહેવાશે. આ રાજ્યનો કોઇ લોકતાંત્રિક રાજકીય ઉકેલ ક્યાંય દૂર દૂર સુધી દેખાતો નથી અને રાજ્યના નાગરિકોને ન્યાય મળતો નથી ત્યારે કાશ્મીરીઓની “આઝાદી”ની માંગ અને ઇચ્છા તદ્દન ઉચિત ઠરે છે.

 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top