ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લશ્કરી રાષ્ટ્રવાદના વિરોધમાં

એ યાદ રહે કે ઝાઈનિઝમ* એ યહુદી ધર્મનું અને હિન્દુત્વ એ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતાં નથી  

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

14 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી, 2018 દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ ભારતના પ્રવાસે હતા. યોગાનુયોગ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેના શીત-યુદ્ધમાં અમેરિકાની જીત બાદ ભારત અને ઈઝરાયેલ વચ્ચે પૂર્ણ રાજદ્વારી સંબંધો પ્રસ્થાપિત થયાને પચ્ચીસ વર્ષ પૂરા થયા તે જ સમયે નેતાન્યાહુ ભારત આવ્યા.તે રીતે 1917માં બ્રિટિશ સરકારે બેલફર ઘોષણાપત્ર* જાહેર કરી પેલેસ્ટાઈનમાં યહુદીઓ માટે ‘’નેશનલ હોમ’’ સ્થાપવાની ઘોષણા કરી હતી તેની શતાબ્દી ટાણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (4 થી 6 જુલાઈ, 2017) ઈઝરાયેલની મુલાકાતે હતા. સંસ્થાનવાદની સ્મૃતિઓ તાજી હતી તે સમયે - 14 મે, 1948માં ઝાઈનિસ્ટ નેતૃત્વએ ઈઝરાયેલ સ્થાપવાની જાહેરાત કરી હતી , ત્યારે  જવાહરલાલ નહેરુએ ઈઝરાયેલની રચના માટે પેલેસ્ટાઈનના હક્કોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની બાબતને પુષ્ટિ આપેલી.

ઝાઈનિઝમ સંસ્થાનવાદ અને રંગભેદને પોષે છે અને મૂળ આરબોને વિસ્થાપિત કરી માનવ હક્કોથી વંચિત રાખવાને વાજબી ઠેરવે છે. ઝાઈનિઝમનો પ્રતિવાદ એટલે યહુદીઓનો પ્રતિવાદ નથી એવો અર્થ હરગિજ નથી. તે સિમાઈટ*નો પ્રતિવાદ પણ નથી. એ કડવી કહીકત છે કે   વિશ્વમાં યહુદીઓના નામે પેલેસ્ટાઈનવાસીઓ સાથે અમાનવીય કૃત્યો આચરતા માનવતા સામે ખતરો ઉભો થયો છે. ઈઝરાયેલમાં ઝાઈનિસ્ટના નેતૃત્વમાં પેલેસ્ટાઈનની ભૂમિ પર બળજબરીપૂર્વક કબ્જો જમાવ્યો અને પેલેસ્ટાઈનવાસીઓને સમાન દરજ્જો આપવાનો ઈન્કાર કર્યો. તેની સામે પેલેસ્ટાઈનમાં મુક્તિ-સંઘર્ષ શરુ થયો. આમ, ઈઝરાયેલ સામેનો પેલેસ્ટાઈનનો મુક્તિ-સંઘર્ષ સામ્રાજ્યવાદ અને પ્રતિક્રિયાવાદ સામેનો છે. ઈઝરાયેલે અમેરિકાની મદદથી 1948, 1967 અને 1973ના યુદ્ધમાં જોર્ડન નદીના પશ્ચિમ ક્ષેત્ર પર કબ્જો જમાવી પેલેસ્ટાઈનવાસીઓને તેમની જ ભૂમિ પરથી ખદેડ્યા. ક્રૂરતા આચરી.

 એ નોંધવું રહ્યું કે નહેરુયુગ બાદ ભારતમાં રાજકીય દલાલોએ પેલેસ્ટાઈન મુદ્દે રંગ બદલ્યો. 1991માં ભારતે યુનાઈટેડ નેશન્સમાં ઝાઈનિઝમને જાતિવાદ સાથે સરખાવતા ઠરાવના વિરોધમાં મતદાન કર્યું. આ જ મુદ્દે 1970ના દાયકામાં ભારતે યુનાઈટેડ નેશન્સમાં સમર્થન આપેલું. ટૂંકમાં, ભારત- ઈઝરાયેલ વચ્ચેના સંબંધોનું સ્વરુપ બદલાઈ રહ્યું હતું. છેલ્લા 25 વર્ષમાં લશ્કરી સંબંધોનું પ્રભુત્વ વધ્યું છે. હથિયારોની ખરીદી અને આંતરિક સુરક્ષા મુદ્દે સલાહ-સૂચનો માટે ભારતનો ઈઝરાયેલ પર મદાર વધ્યો છે.  હવે ઈઝરાયેલ માટે ભારત શસ્ત્રોનું મોટું બજાર બની ચૂક્યું છે. ‘’જેને ટેરેરિઝમ એન્ડ સિક્યુરિટી મોનીટર’’ના મતે ઈઝરાયલના સુરક્ષા દળો અને મોસાદે જે પદ્ધતિઓ પેલેસ્ટાઈન સામેના સંઘર્ષમાં અપનાવી હતી, તેવી તાલીમ ભારતીય લશ્કર અને ગુપ્તચર એજન્સીઓને અપાઈ છે જેનો ઉપયોગ કાશ્મીરમાં અલગતાવાદીઓ સામે થઈ રહ્યો છે.

હમણા નેતાન્યાહૂએ ભારતની મુલાકાત લીધી પણ તેમાં કોઈ નવા સંરક્ષણ કાર્યક્રમ કે કરારની જાહેરાત ન થઈ. પણ  ભારતે ‘’મેક ઈન ઈન્ડિયા’’ના ફ્લેગશીપ પ્રોગ્રામ હેઠળ ઈઝરાયેલમાંથી શસ્ત્રોના ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે નવા મૂડીરોકાણને આકર્ષવાનો પ્રયાસ જરુર કર્યો. ( ભારત- ઈઝરાયેલનું સંયુક્ત નિવેદન, 15 જાન્યુઆરી, 2018) ઈઝરાયેલે વિકસાવેલી રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ ‘’સ્પાઈક’’(એન્ટી ટેન્ક ગાઈડેડ વેપન્સ)ની આયાત માટે ભારતીય સેના તૈયાર થઈ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન( DRDO) દ્વારા વિકસાવાઈ રહેલી આવી જ સ્વદેશી ટેકનોલોજીની રાહ ન જોવાઈ. આ અંગે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે કરાર પણ થશે.

ઈન્ડો-ઈઝરાયેલી મિલિટ્રી સ્ટ્રેટેજિક ટાઈથી બંને દેશો વચ્ચેના સંબંધ ગાઢ બન્યા છે.  

ભારત માટે મીડીયમ રેન્જની સરફેસ ટુ એર મિસાઈલ માટે વિકસાવવામાં ઈઝરાયેલે મદદ કરી તો બીજી તરફ ઈઝરાયેલ એરફોર્સ દ્વારા ગયા વર્ષે એર કોમ્બેટ એક્સરસાઈઝ યોજાઈ તેમાં ઈન્ડિયન એરફોર્સે ભાગ લીધો.હિન્દુત્વવાદી શાસકોએ ભારતનું નેતૃત્વ સંભાળ્યા પછી આ સંબંધો વધુ મજબૂત બન્યા છે. હિન્દુત્વવાદીઓ હંમેશા ઝાઈઓનિસ્ટના લશ્કરી રાષ્ટ્રવાદના પ્રભાવમાં રહ્યા છે ત્યારે હવે એ ભય ઉભો થયો છે કે ‘’કોમ્પ્રિહેન્સિવ કોઓપરેશન ઈન કાઉન્ટરટેરેરિઝમ’’ના પગલે ઈઝરાયેલમાં પેલેસ્ટીનની પ્રજા સાથે જેવો વ્યવહાર થયો તેવો વ્યવહાર અહીં કાશ્મીરી પ્રજા સાથે તો નહીં થાય ને ? જ્યૂડાઈઝમ અને  ઝાઈનિઝમ વચ્ચે ભેદ છે, તેવો જ ભેદ હિન્દુત્વ અને હિન્દુઈઝમમાં છે, તે ભેદ પારખવો પડશે. હિંદુઈઝમમાં વિવિધ ધાર્મિક માન્યતાઓને અવકાશ છે અને તેનો ઉદ્દેશ આધ્યાત્મિક ઉન્નતિ છે. જ્યારે હિંદુત્વ એ ફાંસીવાદી વિચારધારા છે. તે નાઝીવાદનું ભારતીય સ્વરુપ છે. જેમ ઝાઈનિઝમે એ જ્યૂડાઈઝમ*નો પ્રતિવાદ છે, તે જ રીતે હિંદુત્વ એ પણ હિંદુઈઝમનો પ્રતિવાદ છે. યહુદીઓએ એ સ્પષ્ટ કરવું રહ્યું કે તે ઝાઈનિસ્ટનું પ્રતિનિધિત્વ કરતાં નથી, તે જ રીતે હિંદુઓએ પણ સ્પષ્ટ કરવુ પડશે કે હિંદુત્વવાદીઓ તેમનું પ્રતિનિધિત્વ કરતાં નથી.  આ સંઘર્ષમાં હિંદુ, યહુદી અથવા મુસ્લિમોએ માનવતા અને પેલેસ્ટાઈન, માનવતા અને કાશ્મીરની પડખે ઉભા રહેવું પડશે. સિમાઈટ અને ઈસ્લામિક પ્રત્યેના દ્વેષનો અંત આણવો રહ્યો.  

  • ઝાઈનિઝમ- પેલેસ્ટાઈનમાં યહુદીઓનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની ચળવળ
  • બેલફર ઘોષણાપત્ર બ્રિટિશ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પેલેસ્ટાઈનમાં યહુદીઓને ‘’નેશનલ હોમ’’ સ્થાપવા માટે મદદ કરવાની ખાતરી આપતું બહાર પાડેલું ઘોષણાપત્ર
  • સિમાઈટ- યહૂદી, આસીરિયન અને આરબ લોકોની બનેલી પ્રાચીન લોકજાતિ
  • ઝાઈનિસ્ટ- પેલેસ્ટાઈનને યહુદીઓનો મુલક બનાવવાની યોજનાનો સમર્થક
  • જ્યૂડાઈઝમ – જ્યૂ(યહુદી)નો ધર્મ

 

 

 

Back to Top