લાલુને ટાર્ગેટ કરવા
લાલુ પ્રસાદ યાદવ પર પડાયેલ દરોડા નો સમય જવાબદારી કરતાં વધુ રાજકીય બદનક્ષીનો સંકેત આપે છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
કેન્દ્રમાં રહેલ તમામ સરકારોએ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)નો ઉપયોગ તેના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે કર્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર માટે, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો નવા લક્ષ્યો છે. ૨૦ જૂન ૨૦૧૭ ના રોજ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અને પરિવારજનોની વિરુદ્ધ બેનામી વ્યવહારો (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૮૮ હેઠળ રૂ.૧.૦૦૦ કરોડની જમીનના સોદામાં છેતરપિંડી અને કરચોરીના આક્ષેપો કર્યા હતા. ટૂંક સમયમાં જ, ૭ જુલાઇ ૨૦૧૭ ના રોજ સીબીઆઈએ યાદવોની અનેક મિલકતો પર દરોડા પાડ્યા અને તેમના વિરુદ્ધ ૨૦૦૪-૨૦૦૯ દરમ્યાન લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલવેની હેરિટેજ હોટલના રખરખાવ માટેના ટેન્ડરો એક ખાનગી કંપનીને છેતરપીંડીપૂર્વક આપવાની શંકાના આધારે કેસો રજીસ્ટર કર્યા. જયારે મુખ્ય પ્રવાહના માધ્યમોએ તેમનો ચુકાદો યાદવની વિરુદ્ધમાં આપી દીધો હોય એમ લાગે છે ત્યારે યાદવે દાવો કર્યો છે કે આ તપાસ રાજકીય રીતે પ્રેરિત છે અને ભાજપના કહેવાથી જ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં, યાદવની વાત સંપૂર્ણપણે ખોટી ન પણ હોય.
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકાર કોઈપણ પ્રકારના વિરોધ પ્રત્યે તેની અભૂતપૂર્વ અસહિષ્ણુતા માટે જાણીતી છે. મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ એકસાથે પક્ષની અંદર અથવા તો બહાર કોઈ પણ પ્રકારના વિરોધને ખોટો પાડવા કે ખતમ કરી દેવા માટે સક્રિય છે તે ૨૦૦૦ના દાયકાના પ્રારંભમાં ગુજરાતમાં જયારે ભાજપ સત્તામાં આવી ત્યારના અનુભવ પરથી સાબિત થયું છે. હવે, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી (આપ) પછી, યાદવ અને આરજેડી ભાજપના આગામી રાજકીય લક્ષ્યો હોવાનું જણાય છે. તપાસનો સમય અને તેનો ક્ષુદ્ર પ્રકાર સૂચવે છે કે ભાજપ દ્વારા દોરીસંચારના યાદવના દાવાઓમાં વજૂદ હોઈ શકે છે. મે ૨૦૧૭ની શરૂઆતથી જ મોટાભાગના બિન-એનડીએ પક્ષો,તાજેતરમાં થયેલ રાષ્ટ્રપતિની ચુંટણીમાં વિરોધપક્ષોની એકતા દર્શાવવા માટે સંયુક્ત ઉમેદવાર ઉભો કરવા માટે વાટાઘાટો કરી રહ્યા હતા. લોકસભામાં ભાજપના તેની બહુમતીને વટાવીને જુદા જુદા ખરડાઓ અને સુધારાઓ પસાર કરી લેવાના પ્રયાસો અને પુનર્વિચારણા માટે સંસદમાં બિલ પરત કરવાની રાષ્ટ્રપતિની વીટોની સત્તાના સંદર્ભમાં આમ કરવું ખુબ જરૂરી હતું. લાલુ યાદવે, એક જાણીતા ચહેરા અને આ એકતાના ઉભા થયેલ અવાજ તરીકે શાસક પક્ષના રોષને નિશ્ચિતપણે આમંત્રિત કર્યો હતો.
ભાજપ અને યાદવ વચ્ચેનો ઇતિહાસ ઘણો જુનો છે. હાલ લાલુ યાદવ એવા એક જ પ્રાદેશિક પક્ષના નેતા હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે કે જેણે ક્યારેય ભાજપ સાથે જોડાણ કર્યું નથી અને બીજેપી તેમજ તેના જનક સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કોમવાદ સામે સતત વિરોધ દર્શાવ્યો છે. લાલુ યાદવ, ઓક્ટોબર ૧૯૯૦માં સાંપ્રદાયિક તણાવ બદલ એલ.કે. અડવાણીની ધરપકડ કરવા અડલ તેમજ તેમની રામ રથયાત્રાને બિહાર થઇ અયોધ્યા જવાના માર્ગેથી પસાર થતી રોકવા માટે જાણીતા છે. આ સાપ્તાહિકના પાનાઓમાં ("વિકાસમાં જાતિ ક્યાં છે? બિહાર વિધાનસભા ચુંટણી ૨૦૧૫," ૭ નવેમ્બર ૨૦૧૫)માં, એવી દલીલ કરવામાં આવી છે કે ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે યાદવની સફળતા આ પછાત જાતિના નેતા દ્વારા લેવાયેલ બે હિંમતવાળા નિર્ણયોને આભારી છે: ભાજપના કોમવાદ અને બ્રાહ્મણવાદના બે વિચારોને જોડાવાનો(એમ એસ ગોલવલકર અને મોદીના રિઝર્વેશન અને લઘુમતીઓ પરના ઉચ્ચારણો પરથી) અને ભાજપના બીફના રાજકારણનો વિરોધ કરવાનો(હિન્દુઓમાં ગોમાંસ ખાવાના રીવાજો પરના સાહિત્યનો ઉલ્લેખ કરીને). આમ, લાલુ યાદવ ભાજપ માટે એક વૈચારિક પડકારરૂપ છે. બિહારમાં તેમની ચુંટણી ઝુંબેશની સફળતાથી ઉત્સાહિત થઈને તેમણે પોતાની જાતને માટે રાષ્ટ્રીય રાજકારણમાં એક વિસ્તૃત ભૂમિકાની કલ્પના કરી હતી અને તે પોતાની જાતને કાળજીપૂર્વક કોંગ્રેસ અને અન્ય "બિનસાંપ્રદાયિક" પક્ષોના ટેકા સાથે એ માટે તૈયાર કરી રહ્યા છે.
બીજી બાજુ બીજેપી, હજુ પણ બિહારમાં તેની ચૂંટણીમાં થયેલ હારના કારણો સમજવાની કોશિશ કરી રહી છે જે અન્યથા વર્ષ ૨૦૧૪થી લઈને આજસુધી અદભૂત વિજેતાની જેમ ઉભી છે. ૨૦૧૯ની ચુંટણીમાં જો ભાજપ તેની સીધી બહુમતી પાછી મેળવવાની આશા રાખતું હોય (ગઠબંધનની સાથે અથવા તેના વગર પણ) તો ભાજપ માટે બિહાર મહત્વપૂર્ણ બની રહેશે. આવું આરજેડી અને નીતિશ કુમારના જનતા દળ(યુનાઇટેડ) ના ગઠબંધનને તોડ્યા વગર શક્ય નથી. આમ, યાદવ પર ભ્રષ્ટાચારના આરોપોના પ્રયાસો, યાદવના સત્તામાં પાછા આવ્યા પછી બિહારમાં ગુન્ડારાજ પાછું ફર્યાના ભાજપના પ્રચારમાં ઘી હોમે છે. આ સાથેજ તે નીતીશકુમારને પણ તેના "સ્વચ્છ સરકારના" વચનને કારણે સવાલના ઘેરામાં મૂકે છે. તેમણે બીજેપી સાથેના તેમના ૧૭વર્ષ લાંબા ગઠબંધનને ૨૦૧૪ની ચુંટણીમાં મોદીની વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદગી થવાને કારણે તોડી નાખ્યું હતું. જો કે નીતીશકુમારને પાછા જીતી લઈને મહાગઠબંધનને હાની પહોંચાડવાના ભાજપના પ્રયત્નો રંગ લાવી રહ્યા હોય એવું નીતીશકુમાર દ્વારા રાષ્ટ્રપતિની ચુંટણીમાં શાસક પક્ષને ટેકો અપાયા પછી લાગી રહ્યું છે કે આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય તેવું નથી.
લાલુપ્રસાદ યાદવ એક અનુભવી રાજકારણી છે, જેઓ અન્ય બાબતોની સાથે, ઘાસચારાની કૌભાંડની ટીકાઓ છતાં બિહારના રાજકારણમાં વર્ચસ્વ સ્થાપવા પાછા ફર્યા હતા. તેમના ગામઠી વ્યવહાર, નિખાલસતા અને સ્થિતિસ્થાપકતા, બિહારના તેમના મુખ્યત્વે ગ્રામીણ મતદારોના અવાજનો પડઘો પાડે છે અને આથીજ તેમને ઘણી વિપરીત પરિસ્થિતિમાં પણ તેમણે સાથ આપ્યો છે તેવું જોવા મળે છે. આથીજ, એવી અનેક સંભાવનાઓ છે કે ભાજપ દ્વારા તેમના પર કરાયેલ પ્રહારો ઊંધા પડી શકે છે. સીબીઆઇના દરોડા પછી આપેલ ઇન્ટરવ્યૂમાં લાલુ યાદવે તેમના વિરોધીઓને ચેતવણી આપી હતી કે તેઓ ભાજપ અને મોદીના સાંપ્રદાયિક એજન્ડાના વિરોધમાં કામ કરવાનું ચાલુ રાખશે, ભલે પછી આમ કરવામાં તેમના પોતાના જ રાજકીય અસ્તિત્વ પર ખતરો કેમ ન હોય. આ આરોપોમાં દોષિત સાબિત થાય તો ખરેખર યાદવની કારકિર્દીનો અંત આવી શકે છે તે જોતા આ લડાઈમાં મોટા દાવો લાગેલા છે. જો તેઓ ખરેખર તેમના વિરોધીઓને હટાવવા ઇચ્છતા હોય તો, લાલુ યાદવે ૨૦૧૫ની ચુંટણી પછી વિજયના ગણિતમાં આપેલા વચન પર પાછા જવું પડશે અને આ માટે તેમણે વિરોધ પક્ષોને એકત્ર કરી, સાંપ્રદાયિકતા સામેની તેમની લડાઈને બિહારની બહાર સુધી વિસ્તારી, શેરીઓમાં લઇ જવી પડશે.