ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઘરેલું કામદારો માટે દેખીતો પૂર્વગ્રહ

દેશને તાત્કાલિક ધોરણે ઘરેલું કામદારોને આવરી લેતા એક વ્યાપક રાષ્ટ્રીય કાયદાની જરૂર છે. 

૧૨ જુલાઈના રોજ નોઈડાની તોતિંગ દરવાજાઓ ધરાવતી, ઉચ્ચ આવકવાળા લોકોની હાઉસિંગ સોસાયટીમાં ઘરેલું કામદારો અને તેમના માલિકો વચ્ચે અથડામણ થઈ તે વધતા વધતા મુસ્લિમ વિરોધી પાસા સહિતના પૂર્ણ કક્ષાના વર્ગવિગ્રહમાં ફેરવાઈ ગઈ. બનાવોની આ સાંકળ, મહાગન મોર્ડન સોસાયટીમાં કામ કરતી ઝોહરા બીબી નામની એક ૨૭ વર્ષીય ઘરેલું કામદાર, દિવસભરનું કામ પૂરું કરીને નજીકની ઝુપડપટ્ટીમાં આવેલ તેના ઘેર પછી ન ફરી શકવાને કારણે શરુ થઇ, આમાં પોલીસ અને સરકારે ઘરેલું કામદારો સામે દેખીતી રીતે પૂર્વગ્રહ દર્શાવ્યો હતો. ઝોહરા બીબીના પતિએ રાત્રે જ્યારે હેલ્પલાઈનને ફોન કર્યો ત્યારે પોલીસે ૨૦૦૦ ફ્લેટો ધરાવતા આ કોમ્પ્લેક્ષમાં માત્ર ઉપર ઉપરથી શોધખોળ કરી. બીજે દિવસે સવારે તેને શોધવા માટે સોસાયટીના ગેટ પાસે ભેગા થયેલા તેની ઝૂંપડપટ્ટીના લોકો સાથે કામ પાર પાડવામાં પોલીસ નિષ્ફળ નીવડી અને તેને કારણે રમખાણ જેવી સ્થિતિ પેદા થઇ ગઈ હતી. પોલીસે જો પ્રારંભિક તપાસ હાથ ધરવામાં જ પ્રમાણિકતા રાખી હોત તો સમસ્યા આ હદે વકરી ન હોત. શું તેમણે ગુમ થયેલ વ્યક્તિ જો સંપન્ન ઘરની હોત તો પણ મદદ માટે મળેલ ફોનનો આ રીતેજ જવાબ આપ્યો હોત?

વધુ સ્પષ્ટતાપૂર્વક કહીએ તો, પોલીસે નોકરીદાતાઓ, રહેવાસીઓ અને બિલ્ડરો દ્વારા દાખલ કરાયેલ ત્રણ પ્રથમ માહિતી રીપોર્ટ (એફ આર આઈ) ઉપર તાત્કાલિક કામ હાથ ધર્યું હતું અને ઝૂંપડપટ્ટીમાંથી ૧૩ લોકોની ધરપકડ કરી હતી, જ્યારે ઝોહરા બીબીની તેના માલિકે તેને માર્યાની ફરિયાદની તપાસ કરવા માટે કશું કર્યું નહોતું. આથીય વધુ નિર્લજ્જપણે, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી અને સ્થાનીય સાંસદ મહેશ શર્માએ, રહેવાસીઓ બેકસૂર છે અને તેઓ પોતે કાળજી લેશેકે ધરપકડ કરાયેલ ઝુંપડાવાસીઓને વર્ષો સુધી જામીન ન મળે આવું પહેલાંજ જાહેર કરી દઈને કાનૂની કાર્યવાહીમાં દખલ કરી હતી. ઘરેલું કામદારોને ન સાંભળતા માત્ર સોસાયટીના રહિશો સાથેજ વાતચીત કરીને, શર્માએ કોઈપણ પ્રકારના છોછ વગર કહ્યું હતું કે, "આ દેશમાં કોઇને કાયદાને પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી”, જોકે તેમની સરકારે ત્રણ વર્ષ પહેલા ચાર્જ લીધો ત્યારથી લઈને હિન્દુત્વવાદી જૂથો દ્વારા મુસ્લિમો પરના હુમલાઓ અને હત્યાના ઢગલાબંધ બનાવોને તેમણે ધ્યાનમાં લીધા નહોતા. 

મોટાભાગના સંકુલના રહેવાસીઓની સાથે, પોલીસ અને સરકારે પણ વર્ગની સત્તાનું વણવિચાર્યું પ્રદર્શન કરી, ઘરેલું કામદારોને વધુ ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. નોઇડાના નગરપાલિકાના અધિકારીઓએ ઝૂંપડપટ્ટીમાં આવેલી તેના રહેવાસીઓ દ્વારા ચલાવાઈ રહેલ કેટલીક દુકાનો તોડી નાંખી હતી અને એવો દાવો કર્યો હતો કે તેઓ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર અતિક્રમણ કરી રહ્યા હતા. તેમણે વર્તમાન સામાજિક વાતાવરણ કે જેમાં મુસ્લિમ હોવું કે તેના જેવા દેખાવું માત્ર કોઈ વ્યક્તીને ગુનેગાર ઠરાવવા માટે પુરતું છે તેનો ઉદ્ધતાઈપૂર્વક શોષણ કરવામાં ઉપયોગ કર્યો હતો. અને તેમાં પણ આ ઝુંપડપટ્ટીના ૬૦૦ જેટલા ઘરેલું કામદારોમાં જેનો મોટો હિસ્સો છે તે પૂર્વીય બંગાળમાંથી આવેલ મુસ્લિમો પર તો બાંગ્લાદેશથી આવેલ ગેરકાયદે શરણાર્થી હોવાના શકની વધારાની તલવાર પણ કાયમી ધોરણે, તેમના માથા પર લટકતી રહે છે. આ ઘટનામાં પણ બરાબર આમજ થયું: પોલીસે દરોડો પાડ્યો અને માંગણી કરીકે, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ તે સાબિત કરે કે તેઓ ભારતીય છે જે મુદ્દો આ અથડામણો થઇ એ પહેલાં ક્યારેય ઉદભવ્યો નહોતો.

આ ઘટના,સંસદ દ્વારા દેશભરના લગભગ ૨ કરોડ જેટલા ઘરેલું કામદારોના અધિકારો ને આવરી લેતાં વિસ્તૃત કાયદાને તાત્કાલિક ધોરણે ઘડવાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. ઘરેલું કામદારોની સ્થિતિ બિનસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત લોકોમાં સૌથી વધુ નબળી છે કારણ કે તેમાંના મોટાભાગના લોકોમાં સ્થળાંતર કરીને આવેલ સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. આવો કાયદો, સૌથી વધુતો, ઘરેલું કામકાજને શ્રમ તરીકે ઓળખાણ આપશે અને સમાજ દ્વારા ઘરના કાર્યના અવમૂલ્યનને કેટલેક અંશે સંબોધશે. જોકે અગાઉની સરકારોએ નીતિઓના મુસદ્દાઓ તૈયાર કર્યા છે, પણ તે બાબતમાં હજુ સુધી કાયદો બનવો બાકી છે. ઓછા વેતન, કામનો ભારે બોજ અને લાંબા કલાકોના સ્વરૂપમાં માળખાકીય શોષણનો સામનો કરવા ઉપરાંત પણ ઘરેલું કામદારોને ગંભીર જોખમોનો સામનો કરવો પડે છે, તે માલિકો દ્વારા તેમના પર અત્યાચાર કરવાના કે તેમને પૂરી રાખવાના નિયમિતપણે પ્રકાશમાં આવતા રહેતા કિસ્સાઓ પરથી સ્પષ્ટ છે. હકીકત એ છે કે ઘરેલું કામદારોને, બંધ બારણા પાછળ કાર્ય કરવું પડે છે જે તેમની સ્થિતિને વધુ નબળી બનાવે છે.   

લગભગ અડધા રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ, જ્યાં નોઇડા આવેલું છે તે સામેલ નથી, અને દિલ્હી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રએ ઘરેલું કામદારોને લઘુત્તમ વેતન ધારા હેઠળ શ્રમિક તરીકે સામેલ કર્યા છે, જે પગાર, કામના કલાકો અને રજાઓની શરતોને લાગુ કરે છે. આમ છતાં, આ કાયદો મોટેભાગે અપૂરતો છે. દાખલા તરીકે, આ કાયદા હેઠળ, ઘરેલું કામદારો કે તેના માલિકોએ કોઈપણ સત્તાવાર વિભાગ સાથે રજીસ્ટ્રેશન  કરવું જરૂરી નથી, કે જે બંને પક્ષો તેમના કરારની જવાબદારીને લગતી શરતોનું પાલન યોગ્યરીતે કરી રહ્યા છે કે નહિ તેની દેખરેખ કરવા માટે અને ઝઘડાની સ્થિતિમાં ફેંસલો લેવા માટે નિર્ણાયક છે. એક રાષ્ટ્રીય કાયદાએ અન્ય બાબતોની સાથેજ કામદારોની સલામતી, સ્વાસ્થ્યની કટોકટીઓ અને તેમના બાળકોની શિક્ષાની જોગવાઈઓ પર પણ દેખરેખ રાખવાની જરૂર છે. કેરળ અને તમિળનાડુ જેવા કેટલાક રાજ્યો માં ઘરેલુ કામદારો માટે કલ્યાણ બોર્ડ છે જે આમ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ પાસે અપૂરતું ભંડોળ છે અને તેટલું પૂરતું પણ નથી. રાષ્ટ્રીય કાયદાએ નફો રળવા માટે ફૂટી નીકળેલી, ઘરેલું કામદારો પુરા પાડતી અસંખ્ય એજન્સીઓનું પણ નિયમન કરવું જોઈએ, જેમાંની  કેટલીક એજન્સીઓ ઉપર બાળકો પાસે કામ કરાવાતું હોવાની શંકા છે.

ચાલી રહેલ સંઘર્ષ પણ સૂચવે છે કે કાયદો માત્ર માળખાકીય સેવાઓ આપી શકે છે, નિર્ણાયક મુદ્દાઓ હોવા છતાં,  કર્મચારીઓની અસ્થાયી કામ કરવાની પરિસ્થિતિઓ અને શરતો સુધારવા માટે આ ખુબ અગત્યનું છે. કાયદાનો અસરકારક ઉપયોગ કરવા માટે, ઘરેલું કામદારોએ એકત્રિત થવાની પણ જરૂર છે, કેમકે તેમના રોજગારદાતાઓ આર્થિક અને સામાજિક રીતે તેમનાથી બહેતર સ્થાન ધરાવે છે જે નોઈડાની ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે. છેલ્લા એક દાયકામાં મોટા શહેરોમાં તેમના યુનિયનો બનવાથી, ભારતના ઘરેલું કામદારો વધુ સંગઠિત થયા છે, તેમ છતાં, આટલું પુરતું નથી કારણકે ઘણા નોકરીદાતાઓ સામંતવાદી વિચારસરણી ધરાવે છે, જે ઘરેલું કામદારોને ગુલામ તરીકે જુએ છે, જેમના સંબંધો તેમના માલિકો સાથે કાયદા દ્વારા નહી પરંતુ સામાજિક આદેશ દ્વારા સંચાલિત હોય છે, અને આ આદેશ એવું સૂચવે છે કે કેટલાક લોકો પાસે તેઓ નીચી જાતિમાં જન્મ્યા હોવાને કારણે બીજાની સેવા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ પરિસ્થિતિ બદલાવી જ જોઈએ.

Updated On : 13th Nov, 2017
Back to Top