ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

અશાંત ખેતરો

ભારતના ખેડૂતો તેમની આવકને બમણી કરી દેવાના ખોટા વચનોના કારણે ગુસ્સે ભરાયા છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ખેડૂતોને તેમની આવકને બમણી કરવાના, મોટા પાયે રોજગારીનું સર્જન કરવાના અને કાળું નાણું પાછું લાવવાના મોટા મોટા વચનો આપ્યા હતા. ચૂંટણીના વચનોનું ભવિષ્ય આપણા દેશમાં સૌ જાણે છે, કોઈ છુપી વાત નથી. જો કે, આ વખતે તફાવત એ હતો કે તેમણે એવું પણ વચન આપ્યું હતું કે ,એમના નેતા આપેલા વચનને વાસ્તવમાં નિભાવે પણ છે. આમ સામાન્ય સંજોગોમાં ચૂંટણી વચનો ને ભૂલી જઈને માફ કરી દેનાર નાગરીકોએ, ખુબ હિમ્મતવાળા અને બાહોશ નેતાના પ્રક્ષેપણ પર અતિ ઉત્સાહમાં આવી જઈ, તેમના નેતાના પોતેજ જાહેર કરેલ એજન્ડાને યાદ કરાવવાના ભારને પોતાના માથે લઇ લીધો છે. ભાજપની મૂંઝવણ સમજાઈ એવી છે કેમકે દેશભરમાં ખેતીક્ષેત્રે અને આજીવિકા ઉપાર્જન ક્ષેત્રે ઉભી થયેલ કટોકટીભરી પરિસ્થિતિને લઇને નોટબંધીના કારણે ઉભી થયેલ નાટયાત્મક અસર પણ પૂર્ણ થવાને આરે આવી ગઈ છે.

મહારાષ્ટ્ર અને નજીકના મધ્યપ્રદેશ (એમપી)ના ખેડૂતોની દસ દિવસની ઐતિહાસિક હડતાળે આખા દેશને અને ખાસ કરીને ભાજપને આશ્ચર્યજનકમાં નાંખી દીધો છે. ગ્રામ્ય વિસ્તારોના અત્યાર સુધી શાંત અને અસંગઠિત રહેલ ખેડૂતોના સમૂહો આશ્ચર્યજનક રીતે, રાતોરાત એક સાક્ષાત્ રાજકીય દળમાં પરિવર્તિત થઈ ગયા હતા. આંદોલન કરી રહેલ ખેડૂતોએ સ્વામિનાથન કમિશન દ્વારા સૂચિત કરાયેલા માળખાકીય સુધારાઓને અમલમાં લાવવાની જરૂરિયાત અને નોટબંધી અને મબલખ ઉપજને કારણે ખેત ઉત્પાદનના ઘટી ગયેલ ભાવોને કારણે ઉભી થયેલ પરિસ્થિતિની તાત્કાલિક અસરોનું વળતર આપવાની માંગને પુનરોચ્ચારીત કરી છે. અસરગ્રસ્ત પ્રદેશમાં વધારે ઉપજની સમસ્યા બે વર્ષના તીવ્ર દુકાળની પરિસ્થિતિ બાદ ઉદ્ભભવી છે. મહત્વનું છે કે આ આંદોલન દુષ્કાળની સંભાવના ધરાવતા મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ અથવા ચંબલ અને મધ્યપ્રદેશના બુંદેલખંડ માંથી નહિ પરંતુ પ્રમાણમાં સિંચાઇની સારી સુવિધા ધરાવતા અને સમૃદ્ધ મહારાષ્ટ્રના પુણે અને નાસિક તેમજ મધ્યપ્રદેશના ઉજજૈન વિસ્તારો માંથી ઉભું થયું છે. પ્રકૃતિની અનિયમિતતા સિવાય પણ, સમગ્ર ભારતમાં કૃષિ ક્ષેત્રે ગંભીર કટોકટી પ્રવર્તી રહી છે. વધતી જતી લાગત અને ઘટતા જતા ઉત્પાદનના ભાવ, ઘટતા જતા સરકારી ટેકાના ભાવો અને બજારની અસ્થિરતામાં વધારો, ઘટતું જતું જમીનનું ક્ષેત્રફળ અને ઉત્પાદકતામાં ઘટાડો, આ બધાને કારણે ખેતીની આવકમાં ઘટાડો થયો છે, અને ખેતી કરવી બિનપોષણક્ષમ બની છે. નાના અને સીમાંત ખેડૂતો,  ભૂમિહીન કૃષિ મજૂરો અને કૃષિ અર્થતંત્ર પર આધારિત રહેતા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ભાજપના નેતૃત્વ હેઠળના બન્ને રાજ્યોમાં પહેલાંતો વિરોધ પ્રદર્શનને દબાવી દેવાની કોશિશો કરવામાં આવી. તેઓએ સૌપ્રથમતો આને માટે વિરોધ પક્ષોને જવાબદાર ઠરાવ્યા અને તેમણે અનુચિત શ્રેય આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે આ"વાસ્તવિક" ખેડૂતો ન હતા, એમ કહી આંદોલનને ગેરબંધારણીય ઠેરવવાની કોશિશ કરી પણ આ પ્રયાસો ની તરતજ વળતી પ્રતિક્રિયા આવી. મહારાષ્ટ્રમાં સરકારે ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતી કોર કમિટીના સભ્યો સાથે ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અપનાવી હતી, જેના પરિણામે તેની જગ્યાએ ડાબેરી નેતાઓના વર્ચસ્વવાળી  નવી અને વધુ યોગ્ય સમિતિ અસ્તિત્વમાં આવી હતી. આખરે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઝૂકવું પડ્યું હતું અને નાના અને સીમાંત ખેડૂતો માટે રૂ. ૩0,000 કરોડની લોન માફી, આગામી પાકચક્ર માટે નવી લોનની તાત્કાલિક વહેંચણી, દૂધની કિંમતમાં નોંધપાત્ર વધારો અને ખેડૂતોને વિક્રયના ૭૦% જેટલા ભાવોની ખાતરી આપી હતી. તેમણે ઉત્પાદનના ખર્ચવત્તા ૫૦% નફા જેટલા લઘુત્તમ ટેકાના ભાવો નિર્ધારિત કરવામાટે કેન્દ્ર સરકાર પર દબાવ લાવવાનું પણ વચન આપ્યું હતું. જોકે આ વચનો અત્યંત મહત્વાકાંક્ષી, અમલમાં મુકવા મુશ્કેલ (માફી આપવા માટે ખરેખર જરૂરતમંદ ખેડૂતોને ચિન્હિત કરવા અથવા ઉત્પાદનની ચોક્કસ કિંમતની ગણતરી કરવાના સંદર્ભમાં), નાણાંકીય રીતે અતિખર્ચાળ અને આર્થિક રીતે બંધનકર્તા છે. નોંધપાત્ર વાત એ છે કે, આનાથી કૃષિક્ષેત્રે સરકારના હસ્તક્ષેપ ફરી વધશે જે ચોક્કસપણે ભાજપ જે નીતિઓને ટેકો આપે છે તેની વિરુદ્ધ છે. મધ્યપ્રદેશમાં, મૃત્યુનો આંક સાતથી પણ વધી જવા છતાં, મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે હજી પણ લોનના વ્યાજની માફી અને વાટાઘાટો કરવાનું આમંત્રણ આપવા જેવા મર્યાદિત રાહતના પગલાંજ લીધા છે. ખરેખર તો, આ પગલાઓથી આંદોલનકારીઓની નારાજગી ઘટવાની જગ્યાએ વિરોધપક્ષોનેજ ફાયદો થયો છે.

બોટમલાઈન એ છે કે ભાજપે ગ્રામીણ ભારત અને કૃષિ અર્થતંત્ર પર ધ્યાન આપવાની જરૂર છે. મુખ્યત્વે, વેપારીઓ માટે મૈત્રીપૂર્ણ અને શહેર-આધારિત પક્ષ, ભાજપે જાતિગત ગણિતરીના આધારે અને કૃષિ સહીત દેશના અર્થતંત્રને સુધારવાનું વચન આપીને ગ્રામીણ મતો મેળવ્યા હતા. આ વચન હવે તેમનો પીછો નથી છોડતું. વર્તમાન કૃષિ સંકટ રાજકીય પક્ષો અને સરકાર દ્વારા કૃષિક્ષેત્ર અને તેની અસંગતતા બાબતે  કૃષિ નીતિઓની સતત અવગણના કરવાનું પરિણામ છે. આ કટોકટી માટે માત્ર ભાજપને જ જવાબદાર ઠેરવવું બરાબર નથી છતાં, તેણે બેબાકળા બનેલ અને તરછોડાઈને ન્યાયની માંગણી કરેલ લોકોનો સામનો કરવો પડે એમ છે, આવું પહેલાં ક્યારેય નહોતું થયું. ભૂતકાળમાં, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ સહિતની કોંગ્રેસ દ્વારા લાગુ કરાયેલ ગ્રામીણ વિકાસ યોજનાઓનો ભાજપે વિરોધ કર્યો હતો. બીજી તરફ, જમીન સંપાદન અધિનિયમમાં પ્રસ્તાવિત સુધારાઓ અને નોટબંધી સહિતની તેની પોતાની નીતિઓ, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને તેની કાર્યપધ્ધતી પ્રત્યે અજાણતા અને ઉદાસીનતા દર્શાવે છે. આ બાબત ૭ જૂન, ૨૦૧૭ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નાણાકીય નીતિના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે, જેમાં, નોટબંધી પછી, કૃષિ પેદાશોના ભાવમાં ધરખમ ઘટાડા ને પગલે “ગભરાઈને કરવામાં આવેલ વેચાણ" નો ઉલ્લેખ થયો છે. ગામડાઓ, નાનાં નગરો અને બજારોમાં નોટબંધીને પગલે,આજ સુધી પ્રવર્તી રહેલ રોકડની તંગી ને કારણે કૃષિ ક્ષેત્રે કૃષિ પેદાશોના બજારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે. જે રીતે હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકના ખેડૂતો વિરોધનો દંડૂકો ઉપાડવા તૈયાર થયા છે તેના પરથી આ સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે.

મોટા ભાગના લોકો જે એક ખાસ બાબત ચૂકી જઈ રહ્યા છે તે એ છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની હડતાળ પૂણે ડિવિઝનના અહમદનગર જિલ્લામાંથી જ ઉભી થઇ છે જ્યાંથી મરાઠા મોર્ચા ની શરૂઆત થઇ હતી. જોકે બંને જાહેર આંદોલનોની માંગો અને પદ્ધતિઓ અલગ અલગ છે, છતાં જે પ્રમાણ, આશા અને ગહનતા સાથેની સ્વયંસ્ફુરિત ગતિશીલતા જોવા મળી છે એ કોઈ પણ સરકાર માટે ચિંતા ની બાબત હોવી જોઇએ. મજબૂત વિરોધપક્ષની ગેરહાજરીમાં, એ લોકોની તીવ્ર ગુસ્સાની ધૂંધવાઈ રહેલ લાગણીઓ જ છે, જેણે સરકાર પર જવાબદારી અને આપેલા વચનોને પુરા કરવા માટેનું દબાણ ઉભું કર્યું છે.

Updated On : 13th Nov, 2017
Back to Top