વિવેચકોને કઈ રીતે ચુપ કરી દેવા
એનડીટીવી જેવા નિર્ણાયક અવાજને લક્ષ્ય બનાવી, સરકાર શું સંદેશ મોકલી રહી છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
તમામ શાસકોને ખુશામત કરતા દરબારીઓથી ઘેરાયેલા રેહવું ગમે છે. તે શાસન કાર્ય ઘણું બધું સરળ બનાવે છે. તમારે ફક્ત ટોચ પરથી ઘોષણા જ કરવાની છે, અને તમારા અનુયાયીઓ ગુણગાન ગાવા શરુ કરી દેશે. માત્ર અતિ સાહસિક જ હશે જે આ પ્રથાનો ભંગ કરીને પ્રશ્ન પૂછશે, અથવા એથી આગળ વધી વિવેચના કરશે. જો તેઓ તેમ કરે છે, તો તેનું પરિણામ તેઓ જાણે છે. આ કદાચ આશ્ચર્યજનક વાત લાગે છે, પણ ભારતીય લોકશાહી આ કલ્પનાના દૃશ્યની નજીક જઈ રહી છે. સત્તામાં આવવાના ત્રણ વર્ષ માંજ, નરેન્દ્ર મોદી સરકારે સફળતાપૂર્વક એક વખતના જીવંત, વાચાળ અને દબાવશાળી ટેલિવિઝન સમાચાર માધ્યમને નેતાને ખભે બેસાડી, એના ગુણગાન કરી રહેલ એક સમૂહગીતમાં ફેરવી નાખ્યું છે, જે નેતાની જ વાતનું સમર્થન કરેછે અને તેના વખાણ કરે છે અને જે થોડો ઘણો પણ વિરોધ થઈ રહ્યો હોય તેની ઝાટકણી કાઢે છે.
અને આ જ વાત ટેલિવિઝન સમાચાર નેટવર્ક એનડીટીવીને તેની કેટલીક ખામીઓ હોવા છતાં, અલગ પાડે છે. ૫ જુનના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા એનડીટીવીના સ્થાપક અને માલિક એવા પ્રણય અને રાધિકા રોયના સંસ્થાનો પર પડાયેલ છાપામારી, ભારતમાં પ્રેસની સ્વતંત્રતા પર સીધો હુમલો ગણી શકાય કે નહીં તે અંગે પહેલેથી ચર્ચા ચાલી રહી છે. એનડીટીવીની નાણાકીય વ્યવસ્થાની તપાસ, ૨૦૦૯ થી ચાલી રહી હોવા છતાં, તે અસાધારણ છે કે સીબીઆઈને એક ખાનગી બૅન્ક સાથેનાં ચેનલના વ્યવહાર અંગે એક ખાનગી વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ કરવા માટે છાપામારી કરવાનું યોગ્ય લાગ્યું. અનિવાર્યપણે, આમ કરવાનો સમય તેમજ નિશાન, તેના ઉદ્દેશ વિશે પ્રશ્નો ઊભા કરે છે.
એ વાત સાચી છે કે અગાઉની સરકારોએ પણ મિડિયા હાઉસ સહિતના વિરોધીઓને ચૂપ કરવા માટે સીબીઆઈનો ઉપયોગ કર્યો હતો છતાં, આ સરકાર જે રીતે ચાલી રહી છે તેની એક ચોક્કસ પેટર્ન છે. તેના વિરોધીઓના કથિત નાણાંકીય દુષ્કૃત્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકાર, વિરોધીઓ પછી તે વિરોધ પક્ષના નેતા હોય, માનવઅધિકાર કાર્યકર્તા હોય, બિન-સરકારી સંગઠન અથવા કોઈ મીડિયા હાઉસ હોય તેમની બદનામી કરવાની સાથેજ આ પ્રકારના પગલાંનો ભય દાખવીને અન્ય લોકોને ચુપ કરી દેવાના ડબલ નિશાનને સાધે છે. મીડિયાના કિસ્સામાં, તે વધુ અસરકારક રીતે કામ કરે છે કારણ કે સરકાર મીડિયાના માલિકો વિરુદ્ધ નાણાંકીય તપાસ કરવાના બહાના હેઠળ કાર્ય કરી શકે છે અને પ્રેસની સ્વતંત્રતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનું રટણ ચાલુ રાખી શકે છે. તે એક એવો બચાવ છે જેને જાહેર જનતા દ્વારા માની લેવામાં આવે છે જ્યાં પહેલાથી જ શીખવવામાં આવે છે કે સરકારની ટીકા કરનાર મીડિયા ક્યાં તો અવિશ્વસનીય છે, અથવા ખોટુ બોલે છે, અથવા તેનો કોઈ "એજન્ડા" છે, જેવું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રવક્તાએ એનડીટીવી પર, છાપામારીના થોડા દિવસ પહેલા કહ્યું હતું.
મીડિયાના કોર્પોરેટ માલિકો પર દબાણ મૂકવા ઉપરાંત, આ સરકારે વ્યક્તિગત પત્રકારોના મનમાં પણ ભય ઉભો કરવાની કળાને હસ્તગત કરી છે. એનડીટીવી ઇન્ડિયાના રવિશ કુમારે છાપામારીના એક દિવસ પછી જ, એક શાનદાર કાર્યક્રમમાં ધ્યાન દોર્યું હતું તે પ્રમાણે, દેશની રાજધાનીમાં અને અન્ય સ્થળોએ પણ પત્રકારો જાણે છે કે તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે અને તેઓ ભયભીત છે. જો તેઓ ટીકા કરનાર તરીકે દેખાય તો, સરકારના રીપોર્ટીંગ માટે અતિ આવશ્યક, તેમના સોર્સ સુધીની તેમની પહોંચને અવરોધવામાં આવે છે કેમકે દિલ્હીમાં તેમજ કેટલાંક અન્ય રાજ્યોની રાજધાનીઓના સત્તાના ગલીયારા માં પણ ભય પ્રસરેલો છે. મીડીયા ને ચુપ કરાવવાની આ પદ્ધતિ લગભગ સીધી સેન્સરશીપ ની જેમજ અસરકારક રીતે કામ કરે છે.
આને જોતાં, કોઈએ એવી આશા રાખી હોય કે એનડીટીવીને લક્ષ્ય બનાવવાના સરકારના આ પગલા સામે ઉગ્ર આક્રોશ ફૂટી નીકળશે. પણ જે જોવા મળી રહ્યું છે તે, આ સરકારના એજન્ડાને ઓળખતા લોકોમાં ભાઈચારાનો અભાવ છે. અપેક્ષાઓથી વિપરીત, તેમને પણ ટાર્ગેટ કરાશે એવા ભય ને કારણે, અન્ય મીડિયાગૃહો એનડીટીવી ચૅનલના સમર્થનમાં બહાર આવ્યા નથી. એડિટર ગીલ્ડ જેવું, વ્યાવસાયિક મીડિયા સંગઠન એનડીટીવી ના સમર્થન માં બહાર આવ્યું છે પણ આ ઉપરાંત બીજું કશુજ થયું નથી. મીડિયાની બહાર પણ જે લોકો આની પાછળની સરકારની મંશા સમજી રહ્યા છે તેઓ પણ તેને સમર્થન આપતા અચકાઈ રહ્યા છે, કારણ કે ચેનલે ભૂતકાળમાં જ્યારે, અન્ય મીડિયા હાઉસ સામે પણ આવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેમને ટેકો આપ્યો નહોતો. આ સાથેજ એવી સભાનતા વધી રહી છે કે જ્યારે મોટા મેટ્રો આધારિત ન્યૂઝ ચેનલો કેટલેક અંશે ધ્યાન ખેંચે છે, ત્યારે નાના અખબારો અને સામયિકો વચ્ચે ભાઈચારો બહુ ઓછો દેખાય રહ્યો છે, ઉદાહરણ તરીકે કાશ્મીર અથવા ઉત્તર પૂર્વ જેવા સ્થાનો પર સરકાર દ્વારા તેમને અલગથલગ પાડી નાખવામાં આવે છે, અથવા તાકતવર લોકોના ખોટા કાર્યોની તપાસ કરી રહેલ કેટલાંક પત્રકારો પર અત્યાચાર થાય છે જેમાં તેમને માર મારવાથી લઇને મારી નાંખવા સુધીના કિસ્સા છે. ભારતમાં મીડિયા એક વિભાજિત ઘર છે, અને આ વિભાજનને કારણેજ સત્તામાં રહેલ લોકો તેને ચાલાકીથી હેન્ડલ કરે છે અને તેનો ઉપયોગ સત્તાવાર પ્રચાર સાધન તરીકે કરે છે. અમે જોઈ રહ્યાં છીએ કે આ રમત ફરી વાર રમાઈ રહી છે.
એનડીટીવી પર સીબીઆઈની છાપામારીને, કેટલાક લોકો ૧૯૭૫ માં ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલ કટોકટી સાથે સરખાવી રહ્યા છે જ્યારે તેમણે પ્રેસ પર પૂર્ણ સેન્સરશિપ મૂકી હતી. તેમ છતાં આજે પરિસ્થિતિ અલગ છે, ભાજપે તે સમયની સ્થિતિ પરથી શીખ લેવી જોઈએ . ઈન્દિરા ગાંધીને કટોકટી લાદવા બદલ રાજકીય નુકશાન ભોગવવું પડ્યું હતું. તેમણે સેન્સર થયેલ મીડિયાની વાતોને જ સાચી માની લીધી હતી, અને તેની નીતિઓને કારણે ગરીબોને પડી રહેલ તકલીફો સામે આંખે પાટા બાંધી લીધા હતા. તેણીએ ઇન્ટેલિજન્સ એજન્સીઓની વાત પણ સાચી માની લીધી હતી જેમણે ખાતરી આપી હતી કે તેઓ માર્ચ ૧૯૭૭ની ચૂંટણીઓ જીતી જશે કેમ કે લોકો તેમની નીતિઓને ટેકો આપે છે. તે ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયા હતા. ગરીબોએ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. વ્યંગાત્મક રીતે, તેમની હારે જનતા પક્ષના ભાગરૂપે ભાજપને કેન્દ્રમાં પગપેસારો કરવાની તક આપી હતી.
ઇતિહાસ ક્યારેક આખું ચક્કર ફરી વળે છે. રસપ્રદ વાત એ છે કે આજે ઈન્દિરા ગાંધીની જેમજ, ભાજપ પણ પોતાની તરફેણમાં બોલી રહેલ માધ્યમોની વાતો માનવાનું પસંદ કરે છે, જ્યારે તેની વિરુદ્ધમાં બોલી રહેલ માધ્યમોને ચુપ કરી દેવાનો પ્રયત્ન કરે છે. ઇતિહાસ દર્શાવે છે કે આની સાથે રાજકીય નુકશાન સંકળાયેલ છે. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે ભાજપ શાસિત રાજ્યોમાં ઉભી થયેલ ખેડૂતોની ચળવળ ક્યાંક ખુશામતખોર મીડિયાને કારણે, શાસકોમાં પ્રવેશેલ અંધત્વનું ઉદાહરણ તો નથી.