ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

'કોલગેટ' માંથી શીખ

નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારીને કરાયેલ સજા ભારતમાં કાયદાના અમલીકરણ વિશે મહત્વના પ્રશ્નો ઉભા કરે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

૨૩મી મેના રોજ, કોલસા મંત્રાલયના ભૂતપૂર્વ સેક્રેટરી હરીશ ચંદ્ર ગુપ્તાને, એક ખાનગી કંપનીને કોલસાના વિસ્તારની ગેરકાયદે ફાળવણી સંબંધિત કેસમાં બે વર્ષની જેલની સજા કરવાના ન્યાયાધીશ ભારત પરાશરના નિર્ણયે અમલદારશાહી માં આઘાત મોજા પ્રસરાવ્યા છે. ભદ્ર ભારતીય વહીવટી સેવા (આઇએએસ) ના સેવારત અને ભૂતપૂર્વ સભ્યોએ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા ફોજદારી કેસોની તપાસ કરવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ અદાલતના આ નિર્ણય નો તીવ્ર વિરોધ કર્યો છે. આ અમલદારોએ, એવો દાવો કર્યો છે કે ગુપ્તા કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક અધિકારી છે અને કોલસાના "બ્લોકો" અથવા ખાણ વિસ્તારની ફાળવણીને લગતી સરકારની ખામીયુક્ત નીતિઓને અનુસરવાને કારણે તેમને ભોગ બનાવાય રહ્યા છે.

આ લેખમાં દેશમાં કાયદાનો અમલ કેવી રીતે કરવામાં આવે છે તે અંગેના બે મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ નાંખવામાં આવ્યો છે. પ્રથમ એ કે જેમાં, કાનૂની જોગવાઈઓમાંની સંદિગ્ધતા, વિવેકાધીન સત્તાના દુરઉપયોગ માટે તક આપે છે. બીજું એ કે જેમાં "કોલેગેટ"તરીકે જાણીતા અને ૧૯૯૩ થી ખાનગી કંપનીઓને ફાળવાયેલ ૨૧૪ કોલસાના બ્લોકો ની ફાળવણીને લગતા કૌભાંડ, જેને સુપ્રિમ કોર્ટ દ્વારા ઓગસ્ટ ૨૦૧૪ માં ગેરકાયદે જાહેર કરવામાં આવેલ છે, તે કેસમાં જે રીતે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગત્યનો સવાલ એ છે કે, ન્યાયતંત્ર હજુ સુધી સરકારી કર્મચારીઓના રાજકીય વડાઓ ને સરકારી તિજોરી લુંટવા બદલ દોષી અને કારાવાસની સજાને પાત્ર, શા માટે નથી માની રહ્યું.  એવું પણ લાગી રહ્યું છે કે, સીબીઆઇ  જેવી તપાસ એજન્સીએ રાજકારણીઓ સામે કાર્યવાહી કરવામાં એટલો ઉત્સાહ દાખવ્યો નથી જેટલો ઉત્સાહ તેમણે તેમની સાથે મળીને કાર્ય કરી રહેલ અમલદારો અને વેપારીઓના કેસમાં દાખવ્યો છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા ૨૦૧૨માં ટીકા કરતો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો એના ઘણા વર્ષ પહેલાથી ભારતના ખાનગી કંપનીઓના પોતાના(કેપ્ટિવ) ઉપયોગ માટે કોલ બ્લોકની ફાળવણીમાં આચરાયેલ ગેરકાયદેસરતા જાણીતી હતી.

આ અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ ફાળવણીથી સરકારી તિજોરીને કુલ રૂ. ૧,૮૬,000 કરોડ અથવા 30 અબજ ડોલરથી વધુની સમકક્ષ નુકસાન થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું જેને કારણે આ કૌભાંડ વિશ્વમાં તેના પ્રકારના સૌથી મોટા કૌભાંડમાંનું એક બન્યું હતું.

એ વાત સર્વવિદિત છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ (ગેરકાયદેસર કોલસા બ્લોકની ફાળવણી કરવામાં આવી ત્યારે મોટાભાગના સમયે કોલસા મંત્રાલય તેમના ચાર્જ માં હતું) દ્વારા કોલ બ્લોકસ ફાળવણી માટે જાહેર હરાજી કરવાનો નિયમ બનાવતા આઠ વર્ષ લાગ્યા હતા. આ દરમ્યાન ના સમયગાળામાં, મોટાભાગે સરકારી અધિકારીઓ ધરાવતી સ્ક્રિનિંગ કમિટી નક્કી કરી હતી કે કઈ કંપનીને, કયો કોલસો ધરાવતા વિસ્તારો મળવા જોઈએ. આ સમિતિઓ માત્ર અપારદર્શક અને વિવેકાધીન રીતે જ કાર્ય નહોતી કરતી, પણ, સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, તેણે કાયદાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. ગુપ્તા નવેમ્બર ૨૦૦૮ માં નિવૃત્ત થયા તેની પહેલાના બે વર્ષ સુધી સ્ક્રીનીંગ કમિટીના વડા હતા. આ સમય દરમિયાન, ઓછામાં ઓછા ૪૦ કોલ બ્લોકો ફાળવવામાં આવ્યા હતા. જે કેસમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા છે તે ઉપરાંત બીજા ૧૦ કેસો માં તેઓ સુનાવણીનો સામનો કરી રહ્યા છે, જે મધ્ય પ્રદેશમાં આવેલ કમલ સ્પોંજ સ્ટીલ એન્ડ પાવર લિમીટેડ (કેએસએસપીએલ) સાથે સંબંધિત છે, જેના મેનેજિંગ ડિરેક્ટર પવનકુમાર આહલુવાલિયા, તેમજ બે અન્ય ભૂતપૂર્વ કોલસા મંત્રાલયના અમલદાર, કે.એસ.ક્રોફા અને કે.સી.સમરીયા ને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.

"કોલગેટ" માં કાયદાકીય અમલીકરણ માટેની મશીનરી નો ઉપયોગ, ઘણા શંકાસ્પદોની વિરુદ્ધ કરવામાં કઈ રીતે વ્હાલા દવલાની નીતિ અપનાવાય છે તેની તપાસ કરતા પહેલાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૧૩ (૧) (ડી) (iii) માં રહેલ એક દેખીતી સંદિગ્ધતાનો ઉલ્લેખ કરવાની જરૂર છે. આ કલમ જણાવે છે કે જો સરકારી કર્મચારી, "કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ મૂલ્યવાન વસ્તુ અથવા નાણાંકીય લાભ મેળવે છે જેમાં કોઈપણ જાહેર હિત સંકળાયેલું નથી" તો તે ફોજદારી ગેરવર્તણુક માટે દોષિત છે,  અન્ય શબ્દોમાં, સીબીઆઈ અથવા અન્ય કાયદા નું અમલીકરણ કરનાર એજન્સી માટે સરકારી અધિકારી સામે કાર્યવાહીની માગણી કરતી વખતે "ફોજદારી ઉદ્દેશ" અથવા કવીડ પ્રો કો (કંઈક બીજી વસ્તુની અવેજીમાં આપવામાં આવેલ તરફેણ અથવા લાભ) સાબિત કરવાનું ફરજિયાત બનતું નથી. હાલમાં, આ સેક્શન ને રદબાતલ કરવા બાબત સંસદની કમિટિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તા અને તેમના ભારતીય પ્રશાસનિક સેવામાં ના ટેકેદારોએ એવી દલીલ કરે છે કે, તેમને કોઈ ગુનાખોરીના ઉદ્દેશ્ય માટે કે કોઈ ફાયદો મેળવવા માટે નહિ, પરંતુ કેએસએસપીએલને કોલસા ના બ્લોક ફાળવણી માં તેમના દ્વારા થયેલ કોઈ સંભવિત "ભૂલ" માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જસ્ટિસ પરાશરે, જોકે, ચુકાદો આપ્યો હતો કે ગુપ્તાએ તે વખતના કોલસા મંત્રી અને ભૂતપૂર્વ વડાપ્રધાનને અંધારામાં રાખ્યા હતા અને ફાળવણી માટે તેમની અંતિમ મંજૂરી મેળવતા પહેલાં તેમને ગેરમાર્ગે દોર્યા હતા. આ ચુકાદા સામે માત્ર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે.

એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે સીબીઆઇ અને ન્યાયતંત્ર, કોલગેટમાં ફસાયેલા રાજકીય નેતાઓ સામે પગલા લેવામાં કેમ ઓછા સફળ રહ્યા છે. કૌભાંડમાં સંકળાયેલા કહેવાતા, ઘણા રાજકારણીઓમાં ત્રણ વખત રાજ્યસભા માં કોંગ્રેસના સાંસદ વિજય દરદા, જેઓ લોકમત મીડિયા ગ્રૂપના વડા પણ છે અને તેમના ભાઇ રાજેન્દ્ર દરડા, જેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન છે તેમના ઉપરાંત ભૂતપૂર્વ રાજ્યકક્ષાના કોલસા મંત્રી સંતોષ બાગરોદિયા અને દશરી નારાયણ રાવ પણ સામેલ છે. હજી વધુ મોટું ઉદાહરણ, ભૂતપૂર્વ કોંગ્રેસ સાંસદ અને ઉદ્યોગપતિ નવિન જિંદાલ, જેઓ ખાનગી કોર્પોરેટજૂથ ના વડા છે જેને કોલ બ્લોક ની ફાળવણીથી સૌથી વધુ લાભ થયો છે તેમના સંબંધિત કેસ છે, જેમની સામે, રાવને લાંચ આપવા બદલ આરોપ મૂકાયો છે. તેમના ઉપરાંત, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી રાજકારણીઓ, વેપારીઓ અને નાગરિક સેવકો છે જેઓ કૌભાંડ સાથે સંકળાયેલા છે. ૨૫ એપ્રિલે, સીબીઆઈએ આરોપીઓ સાથે ખાનગી બેઠક કરી કોલગેટની તપાસ પર "પ્રભાવ નાંખવા" અને તેને "આડે માર્ગે દોરવા"નો પ્રયાસ કરવા બદલ ભૂતપૂર્વ સીબીઆઇ ડિરેક્ટર રણજિત સિંહા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. એવા વખતે, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સીબીઆઈ નો "ઉપયોગ" કરી, ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિક અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ ની પુત્રી ને ત્યાં દરોડા પાડીને "રાજકીય બદલો" લેવાના પગલા બદલ ઉગ્ર ટીકા થઇ રહી છે, ત્યારે એ અગત્યનું છે કે ન્યાયતંત્ર અને કાયદાનું પાલન કરતી એજન્સીઓ, દેશના સૌથી મોટા કૌભાંડ સાથે સંકળાયેલ શક્તિશાળી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માં તટસ્થ છે એ જોઈ શકાય. જો કે અત્યાર સુધી આ માટેના બહુ થોડા પુરાવાઓ છે.

 

 

Updated On : 13th Nov, 2017
Back to Top